Kirtidan Gadhvi સ્માર્ટ મીટર : વાયરલ થયેલા વીડિયોમાં કીર્તીદાન ગઢવી કહે છે કે એક જાગૃત નાગરિક તરીકે તમને કહું છું કે સ્માર્ટ મીટર આપણા બધા માટે આપણા હિતમાં છે. ખોટી અફવાઓથી દુર ર
Kirtidan Gadhvi સ્માર્ટ મીટર
Kirtidan Gadhvi News: લોક સાહિત્યકાર કીર્તીદાન ગઢવીનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં તેઓ સ્માર્ટ મીટરની ખોટી અફવાઓથી દુર રહેવા અને સ્માર્ટ મીટર અપનાવવાની વાત કરી રહ્યા છે તો બીજી તરફ સુરતમાં ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ ધારાસભ્ય ધીરુ ગજેરાનો પણ પ્રતિક્રિયા આપતો વીડિયો વાયરલ થયો છે. જેમા તેમણે કીર્તિદાન ગઢવીની આકરા શબ્દોમાં ટીકા કરી છે અને જણાવ્યું છેકે, સરકારની વાહવાહી કરવાના બદલે પ્રજાનો અવાજ બનવું જોઇએ અને પ્રજાની પડખે ઉભા રહેવું જોઇએ
સ્માર્ટ મીટર અપનાવવા કીર્તિદાન ગઢવીની અપીલ કરતો વીડિયો વાયરલ
વાયરલ થયેલા વીડિયોમાં કીર્તીદાન ગઢવી કહે છે કે પીજીવીસીએલની મે મુલાકાત લીધી અને મને જાણવા મળ્યું કે ગુજરાતમાં પીજીવીસીએલ દ્વારા સ્માર્ટ મીટરનું લોન્ચિંગ થઇ ગયું છે. આના વિષે અમુક માણસો એવી અફવા ફેલાવે છે કે તમને આમ નુકશાન થશે તમને તેમ નુકશાન થશે. પણ એક જાગૃત નાગરિક તરીકે તમને કહું છું કે સ્માર્ટ મીટર આપણા બધા માટે આપણા હિતમાં છે. એમાં જરાય ગફલતમાં રહેશો નહી, કોઈ પણ ખોટી અફવાઓથી દુર રહેજો અને સ્માર્ટ મીટર તમારા મોબાઈલથી પણ કનેક્ટ છે.
મોબાઈલ સ્માર્ટ થઇ ગયો, તમે સ્માર્ટ થઇ ગયા, દુનિયા આખી સ્માર્ટ થઇ ગઇ તો આપણું મીટર કેમ સાદું રહેવું જોઈએ. એટલા માટે તમને પ્રાર્થના કરું છું કે તમે જાગૃત નાગરિક તરીકેની ફરજ બજાવો અને સ્માર્ટ મીટર અપનાવો. કારણ કે એનું સીધું કનેક્શન તમને તમારા મોબાઈલમાં જોવા મળશે. કેટલા યુનિટ વપરાયા છે. કેટલું બીલ થાય. બધો હિસાબ તમે સાચો કરી શકશો, મારી તમને કર્મબદ્ધ પ્રાર્થના છે કે ખોટી અફવાઓથી દુર રહીએ અને સ્માર્ટ મીટર અપનાવીએ.
સરકારની દલાલી કરવી મને અયોગ્ય દેખાય છે : ધીરુ ગજેરા
ધીરુ ગજેરાએ કહ્યું કે સ્માર્ટ મીટરના ફાયદા હોય કે ના હોય એ મને ખબર નથી. પરંતુ ગુજરાતના સાહિત્ય કલાકાર કીર્તીદાન ભાઈ ગઢવીનો વીડિયો વાયરલ થયો. ત્યારે મને એમ થયું આ લોક કલાકારે ગુજરાતની ભોળી પ્રજા માટે મોરબીનો કાંડ હોય, રાજકોટ કાંડ હોય, ખ્યાતી કાંડ હોય કે સુરતનો તક્ષશીલા કાંડ હોય કે બરોડાની ઘટના હોય કે ગુજરાતની અસંખ્ય કુદરતી આપતિ હોય કે અન્ય આપત્તિઓમાં ક્યારેય કીર્તિદાનભાઈ ગઢવી ગુજરાતની પ્રજાનો અવાજ બન્યા હોય એવો મને ખ્યાલ નથી. જેથી કરીને હું કીર્તિદાનભાઈ ગઢવીને હું વિનંતી કરું છું. પ્રજાએ તમને એક લોક સાહિત્યકાર બનાવ્યા છે અને પ્રજાનો અવાજ બનવાને બદલે માત્ર સરકારની ભાટાઈ કરવી એ ખરેખર અયોગ્ય મને દેખાય છે. પ્રજાનો અવાજ બનવું જોઈએ. પ્રજાની પડખે ઉભું રહેવું જોઈએ.