શોર્યભૂમિ ધંધુકા: રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 78 મી પુણ્યતિથિ નિમિત્તે એમની શૌર્યભૂમિ ધંધુકામાં ચારણ કન્યા વાટિકાનું લોકાર્પણ કરવામાં આવ્યુ.
શોર્યભૂમિ ધંધુકા: રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 78 મી પુણ્યતિથિ નિમિત્તે એમની શૌર્યભૂમિ ધંધુકા સ્થિત રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી સંગ્રહાલય ખાતે ત્રિવિધ કાર્યક્રમ યોજાયા હતો. નવી પેઢી આપણી ગૌરવવંતી સંસ્કૃતિ-સાહિત્ય-સંગીતની મહામૂલી વિરાસતથી પરિચિત-પ્રેરિત થાય તેમજ રાષ્ટ્રભાવના-દેશપ્રેમ જાગૃત થાય તે આશયથી ઝવેરચંદ મેઘાણીના પૌત્ર અને ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાનના સ્થાપક પિનાકી નાનકભાઈ મેઘાણી દ્વારા આ પ્રેરક આયોજન-સંયોજન કરવામાં આવ્યું હતું
શોર્યભૂમિ ધંધુકા – ચારણ કન્યા વાટિકા (ગીરની વાતો) નું લોકાર્પણ
- રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 78 મી પુણ્યતિથિ
- ચારણ કન્યા વાટિકા નું લોકાર્પણ
- ગુજરાત સરકારના વન વિભાગ દ્વારા વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું
આ કાર્યક્રમમાં ગુજરાતના સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને લોકસાહિત્ય સાથે સંકળાયેલા અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. તે ઉપરાંત અનેક રાજકીય દિગ્ગજ નેતા પણ હાજર રહ્યા હતા. તે ઉપરાંત યુવા પેઢીની મોટી સંખ્યામાં હાજરી જોવા મળી હતી.
ઝવેરચંદ મેઘાણીએ 1928 માં રચેલું અમર કાવ્ય ચારણ-કન્યા આધારિત ગુજરાતનો સર્વપ્રથમ અનન્ય અને અનોખો થીમ પાર્ક ચારણ-કન્યા વાટિકા (ગીરની વાતો)નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. પિનાકી મેઘાણીની પરિકલ્પના થકી કવિતાની સ્મૃતિરૂપે સર્વપ્રથમ વખત જ આવું પ્રેરક નિર્માણ કરાયું છે.
સ્ત્રી-સશક્તિકરણની ઉમદા ભાવનાથી નવી પેઢી પ્રેરિત થાય તે આશયથી ગુજરાત પ્રવાસન નિગમ લિ. દ્વારા નિર્મિત-વિકસિત આ થીમ પાર્કમાં રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી, ચારણ ભક્તકવિ દુલા ભાયા કાગ, ચૌદ-વર્ષીય ચારણ-કન્યા તેમજ ચારણ-કન્યાનાં માતા-પિતાની શિલ્પ તૈયાર કરવામાં આવેલા છે.
સમગ્ર શિલ્પ-સ્થાપત્યને ચાર જેટલાં ડાયોરામામાં વર્ગીકૃત કરવામાં આવ્યા છે. તેમજ તેને ચિરકાલિન બનાવવા પરંપરાગત શૈલીમાં ચાર ગઝેબોનું નિર્માણ પણ કરવામાં આવ્યું છે. આ અવસરે એક પેડ માઁ કે નામ અંતર્ગત ગુજરાત સરકારના વન વિભાગ દ્વારા વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું.
ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગની ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના આર્થિક સહયોગથી આયોજિત મેઘાણી વંદનામાં ગુજરાતના ખ્યાતનામ લોકકલાકારો અભેસિંહ રાઠોડ, ધીરુભાઈ સરવૈયા, રાધાબેન વ્યાસ અને પંકજ ભટ્ટે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી સ્વરચિત ગીતો તેમજ સંશોધિત-સંપાદિત પ્રાચીન લોકગીતો-ભજનોની રમઝટ બોલાવીને સહુને ડોલાવી દીધા હતા.
રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના જીવન અને કાર્ય સાથે સંકળાયેલાં વિવિધ સ્મૃતિ-સ્થળોને સુયોગ્ય રીતે વિકસાવીને જીવંત કરવા બદલ પિનાકી મેઘાણીએ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, મંત્રી મુળુભાઈ બેરા અને ગુજરાત સરકારનો હ્રદયથી આભાર માન્યો છે.